અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા છે, જેના કારણે તે દેશોમાં ઉત્પાદન કરતી યુએસ કંપનીઓમાં ચિંતા વધી રહી છે. આ ટેરિફથી વિદેશમાં પોતાના ઉત્પાદનો આયાત કરતી અમેરિકન કંપનીઓનો ખર્ચ વધશે અને તેમણે આ બોજ અમેરિકન ગ્રાહકો પર નાખવો પડે તેવી શંકા લાગે છે.
આવી સ્થિતિમાં, અમેરિકન કંપનીના વેચાણ અને આવક પર અસર પડશે. કદાચ ટેક જાયન્ટ એપલ આ સારી રીતે જાણતી હતી, તેણે આ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી. એપલ તેના મોટાભાગના આઇફોન અને અન્ય ઉત્પાદનો ભારત અને ચીનમાં કરે છે, અને તેથી તેણે માર્ચના છેલ્લા અઠવાડિયામાં માત્ર 3 દિવસમાં આઇફોન અને અન્ય ઉત્પાદનોથી ભરેલા પાંચ વિમાનો યુએસ મોકલ્યા.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, એપલે પારસ્પરિક ટેરિફની અસર ટાળવા માટે આ તાત્કાલિક શિપમેન્ટ મોકલ્યા હતા. આ તાત્કાલિક શિપમેન્ટનું કારણ એ હતું કે, પારસ્પરિક ટેરિફ 5 એપ્રિલથી અમલમાં આવ્યા હતા અને એપલે તે ટેરિફ અને વધેલા ખર્ચનો માર ટાળવા માટે આ નિર્ણય લીધો હતો.
બીજી તરફ ટેરિફ હોવા છતાં, એપલની ભારત કે અન્ય દેશોમાં કિંમતો વધારવાની કોઈ યોજના જણાતી નથી. નિષ્ણાતોના મત અનુસાર, જો એપલ ટ્રમ્પના ટેરિફનો બોજ ગ્રાહકો પર નાખે છે, તો તેનાથી આઇફોનના ભાવમાં વધારો થઈ શકે છે. iPhone 16 Pro Max ની હાલની કિંમત $1599 છે, જે વધીને $2300 એટલે કે રૂ. 1.9 લાખ સુધી પહોંચી શકે છે. પરંતુ એપલ અત્યારે આવું કંઈ કરવા માંગતું નથી.